Local News : સુરત ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી : પાંચ ગુનામાં નાસતો ફરતો કુખ્યાત ઈશ્વર વાંસફોડા બે સાગરીતો સાથે ઝડપાયો

સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલી સૂચનાના આધારે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મોટી સફળતા મેળવી છે. વાકાનેડા ગામે મોંઘીદાટ કારો સળગાવવાના ગુના સહિત કુલ ૫ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા કુખ્યાત આરોપી ઈશ્વર વાંસફોડાને તેના બે સાગરીતો સાથે કડોદરા સીમમાંથી વગર નંબરની થાર જીપ અને ઘાતક હથિયારો સાથે દબોચી લેવામાં આવ્યો છે.

સુરત ગ્રામ્ય એલ.સી.બી.ના પીએસઆઈ એચ.સી. મસાણીની ટીમને બાતમી મળી હતી કે, અંત્રોલીનો લિસ્ટોડ બુટલેગર ઈશ્વર રમેશ વાંસફોડિયા તેના સાગરીતો સાથે વગર નંબરની મહિન્દ્રા થાર ગાડી લઈ જોળવાથી કડોદરા તરફ જતા રોડ પર અકળામુખી હનુમાનજી મંદિર પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ઉભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી તપાસ કરતા ગાડીમાંથી ઈશ્વર અને તેના બે સાગરીતો ઓમ પ્રકાશ વાંસફોડા તથા વિકાસ સોમા વાંસફોડા ઝડપાઈ ગયા હતા. આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી તીક્ષ્ણ ચપ્પુઓ મળી આવ્યા હતા.પોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વાકાનેડા ગામના પ્રવિણ વાંસફોડિયા સાથે ચાલતી આંતરિક દુશ્મનાવટને કારણે તેને આર્થિક રીતે પાયમાલ કરવા માટે ઈશ્વરે તેના સાગરીતો સાથે મળીને પ્રવિણની મોંઘી ફોરવ્હીલ ગાડીઓ સળગાવી હોવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત, તે બારડોલી, સચિન અને પુણા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં પણ લાંબા સમયથી નાસતો ફરતો હતો.પકડાયેલ મુખ્ય આરોપી ઈશ્વર વાંસફોડા રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ કડોદરા, પલસાણા, નવસારી, વલસાડ, બારડોલી અને સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યાનો પ્રયાસ (૩૦૭), રાયોટિંગ, અપહરણ, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા અંદાજે ૫૯ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

error: Content is protected !!