ગુજરાત સહિત ચાર રાજ્યોમાં તરખાટ મચાવનાર અને ખાસ કરીને દિવસના સમયે બંધ મકાનોને નિશાન બનાવનાર આંતરરાજ્ય ઘરફોડ ચોરીના રીઢા આરોપીને સુરત જિલ્લા એલસીબી એ દબોચી લીધો છે. પોલીસની આ સફળ કામગીરીથી સુરત ગ્રામ્ય અને રાજસ્થાનના મળી કુલ ૨૪ જેટલા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
ઝડપાયેલ આરોપી જીમી ઉર્ફે દીપક બિપીન શર્મા (રહે.નંદુરબાર, મહારાષ્ટ્ર) પોતાની પલ્સર મોટરસાયકલ પર સવાર થઈ સોસાયટીઓમાં રેકી કરતો હતો. શંકા ન જાય તે માટે તે વ્યવસ્થિત કપડાં અને હેલ્મેટ પહેરીને નીકળતો અને જે મકાન બંધ દેખાય તેનું લોક તોડી ગણતરીની મિનિટોમાં ચોરી કરી ફરાર થઈ જતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ચોરીઓને અંજામ આપ્યો છે.
સુરત ગ્રામ્યના બારડોલી, માંડવી, ઓલપાડ અને કોસંબા વિસ્તારમાં વધતી ચોરીઓને પગલે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ૬ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ કરી, જોખા-વાવ રોડ પરથી તેને તેની પલ્સર બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી અને તેની કબૂલાતના આધારે દિલ્હીથી રિકવર કરેલ સોનાની લગડીઓ, કોઈન્સ, રોકડ રકમ, બે પલ્સર મોટરસાયકલ અને મોબાઈલ સહિત કુલ રૂ.૧૮,૮૨,૬૩૦/- ની મતા કબજે કરી છે. આરોપી ચોરીના દાગીના દિલ્હી અને ગોવા વેચીને મળેલી રકમ મોજશોખ, જુગાર અને નશા પાછળ ખર્ચતો હોવાનું કબૂલ્યું છે.





