Local News: સુરત ગ્રામ્ય: વરેલી ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપાયા

સુરત ગ્રામ્ય જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો વિરુદ્ધ એસ.ઓ.જી.એ લાલ આંખ કરી છે. ગઈકાલ તા.૨૫ ફેબ્રુઆરીના રોજ એસ.ઓ.જી.ની ટીમે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વરેલી ગામે દરોડા પાડી બે બોગસ ડોકટરોને તબીબી સાધનો અને દવાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

એસ.ઓ.જી.ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વરેલી ગામના મહાદેવ ફળિયામાં આવેલા ‘શ્રી ગણેશ ક્લિનિક’ માં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી વિનોદકુમાર બ્રિજનંદન મિશ્રા (ઉ.વ. ૫૪, મૂળ બિહાર) નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર લોકોની સારવાર કરતા મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી માત્ર ધોરણ-૧૨ પાસ છે અને અગાઉ વતનમાં ૧૦ વર્ષ કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હતું. તેની પાસેથી રૂ.૧૪,૮૦૧/- ની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ આરોપી અગાઉ પણ ૨૦૨૧ અને ૨૦૨૨માં બોગસ ડોકટર તરીકે પકડાઈ ચૂક્યો છે.

બીજા દરોડામાં વરેલી ગામની તુલસીધામ સોસાયટીમાં આવેલા ‘મહાલક્ષ્મી ક્લિનિક’ માંથી પ્રભાત જયદેવ ગુપ્તા (ઉ.વ. ૫૪, મૂળ મધ્યપ્રદેશ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી બી.એ. સુધી ભણેલો છે અને મધ્યપ્રદેશમાં બે વર્ષ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકેના અનુભવના આધારે છેલ્લા એક વર્ષથી અહીં ક્લિનિક ચલાવતો હતો. તેની પાસેથી રૂ.૨,૪૬૨/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. આ કામગીરી સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અને એસ.ઓ.જી. પી.આઈ. બી.જી. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. કિરણસિંહ, ગીરીરાજસિંહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!