વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે પારનેરા પાસે નેશનલ હાઈવે નંબર ૪૮ પર વોચ ગોઠવી એક સફેદ કલરની મારૂતી સુઝુકી અર્ટીગા કારમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે કુલ રૂ.૫,૭૫,૦૮૦/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ વહેલી સવારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પારનેરા ક્રિષ્ના હોટલની સામે મુંબઈથી સુરત તરફ જતા રોડ પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી અર્ટીગા કાર નંબર એમએચ/૧૨/ડબ્લ્યુજે/૧૫૮૬ ને અટકાવી તપાસ કરતા તેમાંથી વ્હીસ્કીની કુલ ૩૮૪ બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી સુરેશભાઈ સોડાભાઇ કાનમીયા (ઉંમર ૨૨ વર્ષ) રહે.ઘર નં.૬૭, ભરવાડ વસાહત, તા બારડોલી, જી. સુરતની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં વિદેશી દારૂની ૩૮૪ બોટલ અને મારૂતી સુઝુકી અર્ટીગા કાર તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ૫,૭૫,૦૮૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ગુન્હામાં દારૂનો જથ્થો ભરાવી આપનાર દમણનો એક ઇસમ અને માલ મંગાવનાર શંકર નામના વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.





