નિઝરના રાયગઢ ગામમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે બાતમીના આધારે રેડ પાડી આરોપી પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિઝર પોલીસની ટીમ સોમવારે બપોરના સમયે પ્રોહિબિશન અને જુગાર અંગેની રેડમાં પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન રાયગઢ ગામ પાસે પહોંચતા કેટલાક ઈસમો જાહેરમાં શંકાસ્પદ રીતે કંઈક આપ-લે કરતા જણાયા હતા. પોલીસને જોઈને કેટલાક ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા,પરંતુ એક ઈસમ સ્થળ પર જ ઝડપાઈ ગયો હતો. પકડાયેલ વ્યક્તિની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિજેસિંગભાઈ રેવાભાઈ પાડવી (ઉંમર ૬૭, રહે. રાયગઢ)નો હોવાનું જણાવ્યું હતું.પોલીસની તપાસમાં તેની પાસેથી મુંબઈ મિલન બજારના આંકડા લખેલ કાગળની સ્લીપ સહિત જુગારના સાધનો મળી આવ્યા હતા.આરોપી મુંબઈથી નીકળતા વરલી મટકાના મિલન બજારના આંકડા પર જુગાર રમાડી અંગત આર્થિક ફાયદો મેળવતો હોવાનું બહાર આવ્યું છે.નિઝર પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.





