ડોલવણના બેસનીયા ગામના જંગલ વિસ્તારમાં પૂરઝડપે જતી એક મોટરસાયકલના ચાલકે વળાંક પર સંતુલન ગુમાવતા બાઇક ખાડામાં ઉતરી વાંસના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હોળીપાડા ગામના રહેવાસી સુનિલભાઈ ગુલાબભાઈ પવાર (ઉં.વ.૩૯) તા.૨૮મી ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે ૦૮:૦૦ વાગ્યાના આસપાસ પોતાની પેશન મોટરસાયકલ નંબર જીજે/૧૬/એન/૫૬૧૫ લઈને જઈ રહ્યા હતા. તેમની સાથે બાઇક પર પાછળ તેમના મિત્ર માહદુભાઇ જાનુભાઈ વળવી (ઉં.વ.૩૭) બેઠેલા હતા. તેઓ ધાંગધર ગામથી કરંજખેડ તરફ જઈ રહ્યા હતા ત્યારે બેસનીયા ગામના ઉપલા ફળીયા પાસે આવેલ જંગલના રોડ પર એક વળાંક અને ઢાળ વાળી જગ્યાએ સુનિલભાઈએ બાઇક પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બાઇક રોડની સાઇડમાં આવેલા ખાડામાં ઉતરી જઈ સીધી વાંસના ઝાડ સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં ચાલક સુનિલભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલ માહદુભાઇને શરીરે અને માથામાં ઇજાઓ પહોંચતા તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ડોલવણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ નિલેશભાઈ જશુભાઈ પવારે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.





