Local News Tapi : વાલોડમાં પિતા પોતાની પુત્રીને કોલેજ મૂકી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં આંતરી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાલોડના બુટવાડા ગામની સીમમાં રામેશ્વર ભુંગળા ફેક્ટરી સામે એક ખેડૂતને રસ્તામાં આંતરી, ગાળાગાળી કરી, ઢીક-મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે વાલોડ પોલીસ મથકે બે નામજોગ અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વાલોડના શેઢી ફળીયા (કાઝીવાડ) માં રહેતા ૪૪ વર્ષીય ખેડૂત અશોકભાઇ રામુભાઇ રાઠોડ ગત તા.૨૮મી ફેબ્રુઆરી ના રોજ બપોરે પોતાની પુત્રીને બાજીપુરા ખાતે આવેલી ભીખીબા નર્સિંગ કોલેજમાં મૂકવા ગયા હતા. પુત્રીને કોલેજ મૂકીને જ્યારે તેઓ પોતાની એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા, ત્યારે સાંજે આશરે ૫:૦૦ વાગ્યાની આસપાસ બાજીપુરા-વાલોડ રોડ પર આ હુમલો થયો હતો. જ્યારે અશોકભાઇ રામેશ્વરી ભુંગળા ફેક્ટરી પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં અગાઉથી ઉભેલા અક્ષય અશોકભાઇ હળપતિ, નિશાર સંજયભાઇ હળપતિ અને એક અજાણ્યા ઇસમે તેમને હાથથી ઈશારો કરી ઉભા રાખ્યા હતા. ફરિયાદીએ ગાડી ઉભી રાખી ઉભા રાખવાનું કારણ પૂછતા, આરોપી અક્ષયે “તારી સાથે અગાઉ બોલાચાલી થયેલ છે, એટલે આજે તને મારવાનો જ છે” તેમ કહી નાલાયક ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

આરોપી નિશાર અને અજાણ્યા ઇસમે ફરિયાદીને પકડી રાખ્યા હતા, જ્યારે અક્ષયે તેમની એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી અને ડાબા કાનના ભાગે ચાર-પાંચ થાપડો તેમજ ઢીક-મુક્કીનો માર માર્યો હતો. આરોપીઓએ ત્યાં ઝપાઝપી કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડરના માર્યા ફરિયાદી ત્યાંથી ભાગ્યા હતા અને એક અજાણ્યા મોટરસાયકલ ચાલકની મદદથી બુટવાડા ગામે પોતાના સબંધીના ઘરે પહોંચ્યા હતા. ઘટના બાદ અશોકભાઇએ પોતાના પરિવારને જાણ કરી હતી અને વાલોડ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

error: Content is protected !!