સોનગઢની અમનપાર્ક સોસાયટીમાં ગત તા.૦૬/૦૩/૨૦૨૬ના રોજ થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૫૧,૩૭૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
રમઝાન માસમાં નવા કપડાં ખરીદવા માટે ચોરી કરી હોવાની કબૂલાત : તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત કામગીરી

તાપી પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા બે શખ્સો સોનગઢ દશેરા કોલોનીની પ્રાથમિક શાળા પાસેના મેદાનમાં ચોરીના પૈસાના ભાગ પાડવા બેઠા છે. પોલીસે બાતમી મુજબના વર્ણનવાળા બે કિશોરોને સ્થળ પરથી પકડી પાડી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.પોલીસ પૂછપરછમાં બંને કિશોરોએ જણાવ્યું હતું કે, હાલ રમઝાન મહિનો ચાલતો હોવાથી તેમને નવા કપડાંની ખરીદી કરવા માટે રૂપિયાની જરૂર હતી.આ માટે તેમણે અન્ય એક કિશોર સાથે મળીને અમનપાર્ક સોસાયટીના એક બંધ મકાનના પાછળના ભાગે સીડી લગાવી,શૌચાલયની બારીનો કાચ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનના કબાટમાંથી તેમણે ચાંદીના દાગીના, રોકડ રકમ અને બે મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.પોલીસે પકડાયેલા કિશોરો પાસેથી રોકડ રકમ રૂ. ૧૬,૩૭૦/-, ચાંદીના ઘરેણા, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫૧,૩૭૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પકડાયેલા બંને કિશોરોને સોનગઢ પોલીસને સોંપી દીધા છે, જ્યારે ચોરીમાં સામેલ અન્ય એક કિશોરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.





