Local News Tapi : ધોરણ-12ની પરીક્ષા આપી પરત ફરતા 2 વિદ્યાર્થીઓ સહિત 4ના કરૂણ મોત, ટક્કર એટલી પ્રચંડ હતી કે વિદ્યાર્થીઓની બાઈકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ

નિઝર-ઉચ્છલ રોડ પર ગઇકાલે સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપીને એક જ મોટરસાયકલ પર સવાર થઈ પરત ફરી રહેલા ત્રણ મિત્રોને સામેથી આવતી પલ્સર બાઈકે જોરદાર ટક્કર મારતા, બે વિદ્યાર્થીઓ અને પલ્સર ચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે.

મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાના ગંગથા ગામનો અનિકેત રેહમતસિંગ વસાવે (ઉં.વ.20) તેના મિત્રો અભિજીત મંગલસિંગ વસાવે (ઉં.વ.18) અને પિયુષ રાજુભાઈ વળવી સાથે નિઝર ખાતે ધોરણ-12ની પરીક્ષા આપવા ગયો હતો. સાંજે આશરે 6:30 વાગ્યાના સુમારે ત્રણેય મિત્રો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર MH-39-E-8660 પર સવાર થઈ નિઝરથી વેલદા ગામ તરફ જઈ રહ્યા હતા. નિઝર ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટ પાસે પહોંચતા જ, સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક પલ્સર મોટરસાયકલ નંબર MH-39-AP-6513 ના ચાલક નારસિંગ સોન્યાભાઈ વળવીએ વિદ્યાર્થીઓની બાઈકને અડફેટમાં લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વિદ્યાર્થીઓની બાઈકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી.

આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે અનિકેત વસાવે અને અભિજીત વસાવેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે બેઠેલા પિયુષ વળવીને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે નંદુરબાર રિફર કરવામાં આવ્યો છે.જોકે ટુકી સારવાર દરમિયાન  પિયુષનું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જનાર પલ્સર ચાલક નારસિંગ વળવીનું પણ માથામાં ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું છે. મૃતક અનિકેતના પિતા રેહમતસિંગ વસાવેની ફરિયાદના આધારે નિઝર પોલીસે પલ્સર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરીક્ષા આપી ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા યુવાનોના મોતથી ગંગથા ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

error: Content is protected !!