Local News: સુરત એસટી બસ પોર્ટમાં ગંદકી કરનારાઓની હવે ખેર નથી: પાન-મસાલાની પિચકારી મારનારને રૂ.200નો દંડ

સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા અને બસ સ્ટેશનની સુંદરતા જાળવી રાખવા માટે સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. વિભાગીય નિયામક શ્રી પી.વી. ગુર્જરના માર્ગદર્શન હેઠળ હવે અડાજણ બસ પોર્ટ અને ડેપો પરિસરમાં ગંદકી કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.અડાજણ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને સ્વચ્છતા અંગે સમજણ આપવાની સાથે ટ્રાફિક કંટ્રોલર દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં, જો કોઈ મુસાફર બસ સ્ટેશન કે બસની અંદર ગંદકી ફેલાવતા ઝડપાશે, તો તેમની સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને પાન-મસાલા ખાઈને થૂંકનારા અને ધૂમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.200નો રોકડ દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુસાફરો માટે સૂચનાઓ

  1. ડસ્ટબિનનો ઉપયોગ: દરેક મુસાફરે કચરો માત્ર નિયત કરેલી કચરાપેટીમાં જ નાખવો.
  2. સાઈન બોર્ડ: બસ પોર્ટમાં ધૂમ્રપાન નિષેધ અને ખિસ્સાકાતરુથી સાવધાન રહેવા માટેના બોર્ડ લગાવવામાં આવ્યા છે.
  3. નિરીક્ષણ: ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમયાંતરે બસ પોર્ટની મુલાકાત લઈ સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.એસટી તંત્રનો મુખ્ય હેતુ મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાભર્યું વાતાવરણ પૂરું પાડવાનો છે. ડેપો મેનેજરના જણાવ્યા મુજબ, હવે ગંદકી કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
error: Content is protected !!