Local News: ઉમરગામમાં ઉઘરાણી કરવા ગયેલા કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી: પાંચ સામે ફરિયાદ

ઉમરગામ ટાઉન વિસ્તારમાં બાકી નીકળતા નાણાંની ઉઘરાણી બાબતે એક કોન્ટ્રાક્ટર અને તેમના પરિવારને ઘરે આવીને હાથ-પગ તોડી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે ઉમરગામ પોલીસે જાણીતા શખ્સ સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, સંજાણ ગામના ધોડિયાવાડ વિસ્તારમાં રહેતા અને વ્યવસાએ કોન્ટ્રાક્ટર ગણેશભાઇ મકનભાઇ ધોડી (ઉ.વ.૫૫) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તારીખ ૧૭/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રિના આશરે ૮:૦૦ થી ૮:૩૦ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા, ત્યારે ઉમરગામ ટાઉનના વાણીયાવાડમાં રહેતા મુકુંદ કાંતીલાલ સંજાણવાલા ચાર અજાણ્યા ઇસમો સાથે ફોર વ્હીલ ગાડી લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગણેશભાઇને તેમના જૂના ધંધાના કામ પેટે મુકુંદ સંજાણવાલા પાસેથી નાણાં લેવાના નીકળતા હતા. આ રકમની ઉઘરાણી બાબતે ઉગ્ર બોલાચાલી કરીને આરોપીએ ધમકી આપી હતી કે, “હવે પછી મારી પાસે પૈસા લેવા આવવું નહીં, નહીં તો તારા અને તારા પરિવારના હાથ-પગ તોડાવી નાખીશ અને જાનથી મારી નાખીશ”. એટલું જ નહીં, આરોપીએ ભવિષ્યમાં ફોન ન કરવા અથવા ઉઘરાણી માટે ઘરે ન આવવા પણ દબાણ કર્યું હતું.ઘટનાના લાંબા સમય બાદ, કામકાજમાં વ્યસ્ત હોવાને કારણે ફરિયાદીએ ૧૦/૦૩/૨૦૨૬ના રોજ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુકુંદ કાંતીલાલ સંજાણવાલા અને ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!