Local News: ઓલપાડના પીંજરત ગામે નાસ્તાના વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો

ઓલપાડ તાલુકાના પીંજરત ગામની સીમમાં આવેલી શિવધારા સોસાયટી પાસે નાસ્તાની દુકાન ચલાવતા એક વેપારી પર વેલુક ગામના ત્રણ શખ્સોએ હુમલો કરી, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓલપાડ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ સુરત શહેરના પાલણપોર જકાતનાકા વિસ્તારમાં રહેતા અને છેલ્લા ચાર માસથી પીંજરત ગામની સીમમાં ‘હરિઓમ નાસ્તા સેન્ટર’ નામની ભાડેથી દુકાન ચલાવતા મેહુલભાઇ ધર્મેશભાઇ પટેલ (ઉ.વ.૩૮) ગત તારીખ ૦૪/૦૩/૨૦૨૬ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યે પોતાની દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે કેટલાક યુવકો ત્યાં આવી આમ-તેમ કોઈની શોધખોળ કરતા હતા. વેપારીએ તેઓને કયા ગામના છો તેમ પૂછતા, તેઓએ પોતે વેલુક ગામના હોવાનું જણાવ્યું હતું અને તે પૈકીના એકે ‘હું વેલુકનો ડોન છું’ તેમ કહી રજકઝ શરૂ કરી હતી. આ દરમિયાન વેલુક ગામના ત્રણ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને વેપારી મેહુલભાઇને ઢીકમુક્કીનો માર મારી, ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. હુમલાખોરોએ જતી વખતે ધમકી આપી હતી કે, “જો વધારે પડતી દાદાગીરી કરશો તો વધુ માર મારીશું”. આ બાબતે ભોગ બનનાર વેપારીએ પોતાના સંબંધીઓ દ્વારા તપાસ કરાવતા હુમલો કરનાર શખ્સો વેલુક ગામના હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બનાવ અંગે મેહુલભાઇ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે (૧) કેવિનભાઇ શૈલેષભાઇ પટેલ (૨) હિરેનભાઈ ભરતભાઈ પટેલ (૩) અભિ મનિષભાઇ પટેલ (તમામ રહે.વેલુક, તા. ઓલપાડ) વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!