સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા હાથ ધરાયેલી ઝુંબેશમાં LCBને મોટી સફળતા મળી છે. 
મુંબઈ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે પર પલસાણાના એના ગામની હદમાં નાકાબંધી કરી પોલીસે ગોવા તરફથી આવતા એક આઈસર ટેમ્પોમાંથી રૂ.૭૨.૭૧ લાખની કિંમતની બીયરની ટીન કુલ નંગ-૪૬,૭૦૪ ઝડપી પાડી પોલીસે રૂ.૭૨.૭૧ લાખનો દારૂ અને રૂ.૧૫ લાખનો ટેમ્પો, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા ૮૭,૭૭,૧૪૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સાથે જ ટેમ્પો ચાલક સુનીલ મુલતાનારામજી બિશ્નોઈ (રહે. રાજસ્થાન) ને સ્થળ પરથી દબોચી લેવામાં આવ્યો છે. જ્યારે આ જથ્થો ભરાવનાર ધર્માભાઈ (રહે. સાચોર, રાજસ્થાન) અને ટેમ્પો માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અહીં જણાવી દઈએ કે,LCB પી.આઈ. આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રોહિતભાઈ અને હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈને બાતમી મળી હતી કે,કર્ણાટક પાસિંગના આઈસર ટેમ્પો નંબર કેએ/૫૨/સી/૩૬૮૬માં ગોવા થી વડોદરા તરફ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે એના ગામ પાસે ટેમ્પો આંતરીને આ સફળ કામગીરી કરી હતી.





