Local News: ધરમપુર હાઇવે પર પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ: ૯ ભેંસ અને ૪ પાડાના બચ્ચાને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા હતા

ધરમપુરના બારોલીયા ગામ પાસે નેશનલ હાઇવે નંબર ૫૬ પરથી પસાર થતી એક ટાટા ટ્રકમાંથી પોલીસે ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક ભરેલા પશુઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.૧૦,૯૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ વહેલી સવારે પોલીસને બાતમી મળી હતી કે રાજપુરોહિત હોટલ સામે એક ટાટા ટ્રકમાં પશુઓ ભરેલા છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સફેદ કલરની ટાટા ટ્રક નંબર જીજે/31/ટી/૦૨૨૯ મળી આવી હતી. ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા તેમાં ૯ ભેંસો અને ૪ નાના ભેંસના બચ્ચા (પાડા) જોવા મળ્યા હતા.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પશુઓને ઘાસચારા કે પાણીની સુવિધા વગર, હલનચલન ન કરી શકે તે રીતે ટૂંકી દોરીથી ક્રૂરતાપૂર્વક બાંધીને રાખવામાં આવ્યા હતા. પશુઓની હેરફેર માટે આરોપીઓ પાસે કોઈ સક્ષમ અધિકારીની પાસ-પરમીટ પણ મળી આવી ન હતી. પોલીસે આ મામલે ટ્રક ચાલક દાદુ બચુભાઇ મલેક (રહે.રતનપોર, જી. ભરૂચ) અને ક્લીનર વિજય દશરથ ડોપજડ (રહે. ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી છે. પોલીસે રૂ.૧૦ લાખની કિંમતની ટ્રક અને રૂ.૯૨,૦૦૦/- ની કિંમતના પશુઓ મળી કુલ રૂ.૧૦,૯૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

error: Content is protected !!