નવસારી એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીના આધારે બીલીમોરા સર્કિટ હાઉસ સામે જાહેર રોડ પર વોચ ગોઠવી એક ટેમ્પોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ.૬,૩૦,૪૮૦/- ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે નવસારી એલ.સી.બી.ને બાતમી મળી હતી કે દમણથી એક ગ્રે કલરના સુપર કેરી ટેમ્પો નંબર જીજે/૧૫/એવી/૯૫૭૫માં નાળિયેરના કુંચાની આડમાં દારૂનો જથ્થો લવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે શુક્રવારે રાત્રે આશરે ૨૧:૧૦ કલાકે પોલીસે નાકાબંધી કરી ટેમ્પો અટકાવ્યો હતો. તપાસ કરતા ટેમ્પોમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૫૮૨ નંગ બોટલો અને ટીન બિયર મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.૨,૫૫,૪૮૦/-થાય છે. પોલીસે સ્થળ પરથી હિરેન હિતેશભાઇ નાયકા (ઉં.વ. ૧૮, રહે. પલસાણા-પારડી, વલસાડ) અને જતીન રમણભાઇ નાયકા (ઉં.વ. ૨૫, રહે. પલસાણા-પારડી, વલસાડ)ના બંને આરોપીઓની ધરપકડ કરી છે,જયારે આ દારૂનો જથ્થો મંગાવનાર આયુષ પટેલ (રહે. કલમઠા, તા. ગણદેવી) ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.





