Local News: ઉછીના નાણાં પરત માંગવા ગયેલી મહિલા પર કુહાડી વડે જીવલેણ હુમલો

ચીખલી તાલુકાના મજીગામ ખાતે ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા ગયેલી એક મહિલા પર આરોપીએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ચીખલી પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે.

પોલીસ સુત્રો પાસેથી વિગત મુજબ, ચીમલા ગામના ઉગમણા ફળીયામાં રહેતા હીતેષભાઈ ઈશ્વરભાઈ કોળી પટેલે મજીગામના દ્રષ્ટીક ઉર્ફે જીમી મંગુભાઇ પટેલને આશરે એક માસ અગાઉ રૂ. ૧૬,૦૦૦/- હાથ ઉછીના આપ્યા હતા. ગત તારીખ ૦૫/૦૩/૨૦૨૬ના રોજ સાંજના આશરે સવા આઠેક વાગ્યે હીતેષભાઈની પત્ની પ્રિયંકાબેન આ નાણાં પરત લેવા માટે આરોપી દ્રષ્ટીકના ઘરે ગઈ હતી. જ્યારે પ્રિયંકાબેને પોતાના નાણાંની માંગણી કરી, ત્યારે આરોપી દ્રષ્ટીક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિવાદ વધતા આરોપીએ ઘરમાંથી કુહાડી લાવી પ્રિયંકાબેનના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી અને સીટી સ્કેન રિપોર્ટ બાદ વધુ સારવાર માટે તેને સુરતની આઈ.એન.એસ. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી છે. ચીખલી પોલીસે આ મામલે હીતેષભાઈની ફરિયાદને આધારે આરોપી દ્રષ્ટીક ઉર્ફે જીમી મંગુભાઇ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!