નવસારી શહેરના નેશનલ હાઈવે નંબર ૪૮ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ ક્રોસ કરી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એક શ્રમિકનું અજાણ્યા વાહનની ટક્કરે કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાના વતની અને હાલ નવસારીના ઉનગામ ખાતે રહીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા ગોપી રામશુભગ ચૌધરી (ઉં.વ.૩૭) ગત ગુરુવારે રાત્રે પોતાના કામ પરથી રૂમ પર પરત ફર્યા હતા. રાત્રિના આશરે ૦૮:૩૦ વાગ્યાના સુમારે તેઓ ઉનગામની હદમાં આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે નેશનલ હાઈવે નંબર ૪૮ ક્રોસ કરીને કરિયાણાની વસ્તુ લેવા જઈ રહ્યા હતા. તે સમયે મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગોપીભાઈને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે ગોપીભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં માર્ગ પર ફસડાઈ પડ્યા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો અને તેમના સાથી મિત્રો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અડધો કલાકની ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના મિત્ર અશોક રામનાથ ચૌધરીએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.





