Local Trending News : ઉમરપાડામાં હિટ એન્ડ રન: મોટરસાયકલની અડફેટે વૃદ્ધનું મોત, ચાલક ફરાર

ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે જતી મોટરસાયકલના ચાલકે રસ્તે ચાલતા જતા ૭૫ વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારતા, સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, ગત ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે ૦૭:૪૫ વાગ્યે ઉમરદા ગામના રહેવાસી જુરાભાઈ પાડવી (ઉં.વ.૭૫ ) ઘરેથી જમીને ખેતરે સૂવા માટે નીકળ્યા હતા. રાત્રે આશરે ૦૮:૧૫ વાગ્યાના સુમારે ઉમરદા ગામના બસ સ્ટેશન સામે રોડ પરથી પસાર થતી વખતે, એક મોટરસાયકલ નંબર જીજે/૨૬/એમ/૬૧૩૩ ના ચાલકે પોતાના કબ્જાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી જુરાભાઈને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે જુરાભાઈને માથાના પાછળના ભાગે અને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે લોકો એકઠા થઈ જતાં અજાણ્યો મોટરસાયકલ ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમરપાડા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે, રસ્તામાં જ તેમની તબિયત લથડતા માંડવી સરકારી દવાખાને ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ભિમસિંગભાઈ જુરાભાઈ પાડવીની ફરિયાદના આધારે ઉમરપાડા પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!