Local Trending News : વેલણપુર પાટીયા પાસે હિટ એન્ડ રન: મોટરસાયકલ સવાર પોલીસ કર્મીને અડફેટમાં લઈ કાર ચાલક ફરાર

મહુવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વેલણપુર ગામની સીમમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરઝડપે આવી રહેલી એક ટાટા ટિયાગો કારના ચાલકે મોટરસાયકલ સવાર પોલીસ કર્મચારીને જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે મોડા-મોડા પણ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે નવસારી વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૌશિકભાઈ બાપુભાઈ પટેલ ગત તારીખ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સવારે સાડા દસેક વાગ્યે પોતાની મોટરસાયકલ નંબર જીજે/૨૧/બીએન/૦૩૮૯ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. સવા અગિયાર વાગ્યાના અરસામાં જ્યારે તેઓ કાંકરિયાથી વેલણપુર તરફ જતા રોડ પર ઓલણ નદીના પુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે આવતી એક ટાટા ટિયાગો EV નંબર જીજે/૨૧/સીઈ/૭૧૧૬ના ચાલકે તેમની બાઈકને અડફેટમાં લીધી હતી.

આ અકસ્માતમાં કૌશિકભાઈને ડાબા પગના ઘૂંટીના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ તથા શરીરે અન્ય નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ રાહદારીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ નવસારી ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને યશફીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અકસ્માત કરનાર કાર ચાલકની ઓળખ રોનક પટેલ તરીકે થઈ હતી. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલી રહી હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. પરંતુ સમાધાન ન થતા આખરે ઈજાગ્રસ્તના પુત્ર મનનકુમાર પટેલે તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!