Local Trending News Today: માંડવી અને ઓલપાડમાં વીજતારની ચોરી કરનાર ‘ગુર્જર ગેંગ’ના ૬ સાગરીતો ઝડપાયા

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એગ્રીકલ્ચર વીજલાઈનના તારોની ચોરી કરી આતંક મચાવનાર કુખ્યાત ‘ગુર્જર ગેંગ’નો સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર અને ચોરીનો માલ રાખનાર રીસીવર સહિત કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ માંડવી અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વીજતાર ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળની ટીમો તપાસમાં હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મળી હતી કે પ્રભુ ગુર્જર અને ગીરધારી ગુર્જર નામના શખ્સો ચોરીનો માલ સગેવગે કરવા વલથાણ ગામની હદમાં નેશનલ હાઈવે નંબર ૪૮ ના સર્વિસ રોડ પર આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને આયસર ટેમ્પોમાં વીજતારનો જથ્થો સગેવગે કરતા તમામ ૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના એલ્યુમિનિયમ વીજતારનો મોટો જથ્થો, ગુનામાં વપરાયેલા વાહનો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. ૩૧,૨૬,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી (૧) પ્રભુ ભોજારામ ગુર્જર (મુખ્ય સૂત્રધાર) (૨) ગિરધારીલાલ છોગારામ ગુર્જર (૩) સાહિલ અસરફ પરમાર (રીસીવર) (અન્ય ત્રણ સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે.)આ ટોળકી ખેતરની વીજલાઈનો કાપીને તેમાંથી કિંમતી એલ્યુમિનિયમ તાર ચોરી જતી હતી, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતું હતું. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!