સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે એક બાતમીના આધારે ઓલપાડ ગામની હદમાં સર્કિટ હાઉસ સામે નાકાબંધી કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. ૫,૮૪,૭૫૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વિગતો અનુસાર સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ, એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. રોહિતભાઇ બાબુભાઇ અને હેમંતભાઇ બાવાભાઇને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કાર નંબર જીજે/૦૫/જેસી/૬૦૮૮ માં વિદેશી દારૂનો જથ્થો ભરીને હાંસોટથી સુરત તરફ જઈ રહ્યો છે.
બાતમી મુજબની કારને ઓલપાડ સર્કિટ હાઉસ પાસે અટકાવી તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૦૪ બોટલ જેની કિંમત રૂ. ૩,૭૮,૭૫૦/- તથા મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર રૂ. ૨,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન અને રોકડ રૂ. ૫,૭૦૦/- મળી કુલ રૂ. ૫,૮૪,૭૫૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે, આ મામલે જયદેવસિંહ દુર્ગેશસિંહ રાઠોડ (રહે. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે,જયારે દારૂ મોકલનાર હિમાંશુ (સોનીપત, હરિયાણા) અને દારૂ મંગાવનાર સાહિલ (વેસુ, સુરત શહેર) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલ આરોપી જયદેવસિંહ રાઠોડ અગાઉ પણ ચીખલી અને બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.





