નવસારી જિલ્લાના વિજલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી નોકરી મેળવવા માટે નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવાનું એક ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. નાયબ પશુપાલન નિયામકની કચેરી, દાંતેજ ખાતે ફરજ બજાવતા અધિકારી દ્વારા આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૦ થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને નકલી સીસીસી (CCC) પ્રમાણપત્રોનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સોએ પશુપાલન વિભાગમાં કાયમી નોકરી મેળવવા અથવા ઉચ્ચ પગાર ધોરણનો લાભ લેવા માટે આ બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. પોલીસે જે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે તેમાં (૧) જાદવ હર્ષદભાઈ ફુલજીભાઇ રહે.નવાનગર, તા. વાંસદા (૨) હીરેન મહેન્દ્રભાઈ પટેલ રહે. અંભેટા, તા.ગણદેવી અને (૩) સુનિલકુમાર મોતીરામભાઇ ગવળી રહે. આહવા, જી.ડાંગ. નાઓ સામે વિજલપોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એસ. પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.





