સુરત ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માંગરોળ તાલુકાના સીયાલજ ગામની હદમાં મુંબઈ-વડોદરા નેશનલ એક્સપ્રેસ-વે પર વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.૫૫,૮૦,૦૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી વિગત અનુસાર LCB ની ટીમને બાતમી મળી હતી કે ટાટા ટ્રક કન્ટેનર નંબર એચઆર/૬૧/ઈ/૧૩૮૯માં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે નાકાબંધી દરમિયાન કન્ટેનરને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં બિયરના ટીન મળી આવ્યા હતા.આ મામલે પોલીસે અંદાજે રૂ.૩૯.૧૮ લાખની કિંમતના કુલ ૧૫,૬૭૨ નંગ બિયર ટીન, રૂ.૧૫ લાખનું કન્ટેનર, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂ.૫૫.૮૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ કન્ટેનર ચાલક નિતુકુમાર હરપાલસિંગ ચૌધરી (રહે. હરિયાણા) ને ઘટનાસ્થળેથી દબોચી લેવાયો છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર પારસરામ મીણા (રહે. હરિયાણા), તેનો ડ્રાઈવર અરવિંદ પાંડે અને જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમ સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાના ગુરૂગ્રામથી ભરાવીને ગુજરાતમાં આણંદ સુધી લઈ જવાનો હતો. આ સફળ કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB PI આર.બી. ભટોળ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.





