Local Trending News Today : સુરત ગ્રામ્ય LCBનો સપાટો: કામરેજના માકણામાંથી ચોરેલા કાપડના તાકા સાથે ત્રણ ઝડપાયા

સુરત ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે એક મહત્વની સફળતા મેળવતા કામરેજ તાલુકાના માકણાગામની હદમાં આવેલા એક કાપડ એકમમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.પોલીસે ચોરીના કાપડના તાકા વેચવા જઈ રહેલા ત્રણ શખ્સોને કુલ રૂ.૬,૮૦,૦૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

મળતી માહિતી પ્રમાણે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે LCB પી.આઈ. આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે,એક ટેમ્પોમાં ચોરીનું કાપડ ભરીને કેટલાક ઈસમો વેચાણ માટે જઈ રહ્યા છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાંથી ચોરીનું કાપડ મળી આવ્યું હતું.

પોલીસે આ કામગીરી દરમિયાન કુલ રૂ.૪,૦૦,૦૦૦/- ની કિંમતના કાપડના ૮૫ તાકા અને ગુનામાં વપરાયેલ રૂ. ૨,૮૦,૦૧૦/- ની કિંમતનો થ્રી-વ્હિલ ટેમ્પો નંબર જીજે/૦૫/એવી/૪૧૮૪ મળી કુલ રૂ.૬,૮૦,૦૧૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ઝડપાયેલા આરોપીઓ (૧) રાહુલભાઈ ગુણવંતભાઈ રાઠોડ (ઉ.વ. ૨૪, રહે. સીમાડી, કામરેજ) (૨) મુકેશભાઈ તારની મોદી (ઉ.વ. ૩૬, રહે. ગોડાદરા, સુરત; મૂળ રહે. ઝારખંડ)-ચોરીનો માલ ખરીદનાર (૩) આમિર નિયામત શેખ (ઉ.વ. ૩૩, રહે. ભટાર, સુરત; મૂળ રહે. મહારાષ્ટ્ર)-ટેમ્પો ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!