નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશનમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક શખ્સ દારૂના નશામાં ચકચૂર થઈને સીધો પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ પહોંચી ગયો હતો. નશાની હાલતમાં જાહેર સ્થળે લવારા અને બકવાસ કરી રહેલા આ શખ્સને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મળતી માહિતી મુજબ, ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ મારફતે પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા વાંસદા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ એક ઈસમ નશાની હાલતમાં લથડિયાં ખાતો અને ગમે તેમ બોલતો નજરે પડ્યો હતો.પોલીસે પૂછપરછ કરતા પકડાયેલા શખ્સનું નામ નરેન્દ્રભાઈ છગનભાઇ ગામીત (ઉંમર ૫૦ વર્ષ, રહે. ઉનાઈ બારતાડ) હોવાનું બહાર આવ્યું હતું. ધરપકડ સમયે આરોપી એટલી હદે નશામાં હતો કે તે પોતાનું શારીરિક સંતુલન પણ જાળવી શકતો નહોતો અને મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી.વાંસદા પોલીસના કર્મચારીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.





