વ્યાજખોરોની હેવાનીયત : “બાયડી-છોકરીને મારે ઘેર મૂકી જા”, ૧૭ લાખ રોકડા અને ૨ લાખની ઈંટો પચાવી પાડ્યા બાદ પણ ૩૫ લાખ માટે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે ઇંટોનો ભઠ્ઠો ચલાવતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારને વ્યાજખોર દંપતીએ શિકાર બનાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધંધાકીય મજબૂરીનો લાભ લઈ લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધીરનાર દંપતીએ મુદ્દલ કરતા વધુ રકમ વસૂલ્યા પછી પણ રૂ.૩૫ લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ai generated images

વિગતો અનુસાર મૂળ ભાવનગરના પાલીતાણાના વતની અને હાલ વ્યારા તાલુકાના ચીખલવાવમાં ઇંટોનો ભઠ્ઠો ચલાવતા રાકેશભાઈ સુરેશભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૩માં ધંધા માટે નાણાંની જરૂર પડતા તેમણે સાદડવાણ ગામના જયદીપ ગામીત અને તેની પત્ની સુરેખાબેન પાસેથી ૬.૫% ના માસિક વ્યાજે કુલ રૂ.૧૪,૭૫,૦૦૦ ઉછીના લીધા હતા. ફરિયાદીએ એપ્રિલ ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન વ્યાજ અને મુદ્દલ પેટે રૂ.૧૭,૫૮,૦૦૦ રોકડા તેમજ રૂ. ૨,૪૦,૦૦૦ની કિંમતની ઇંટો આપી દીધી હતી.

આટલી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોર દંપતીની લાલચ સંતોષાઈ ન હતી. ગત ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આરોપી જયદીપ અને સુરેખાબેને ભઠ્ઠે આવીને પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આરોપીઓએ રૂ.૩૫ લાખની ખોટી માંગણી કરી ફરિયાદીના પિતાને લાફો મારી દીધો હતો. એટલું જ નહીં, આરોપી સુરેખાબેને ફરિયાદીના બાળકો બેઠા હતા તે ટ્રેક્ટરને સળગાવી દેવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી મહિલાએ ફોન પર ફરિયાદીની બહેન અને પત્ની વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કાકરાપાર પોલીસે આ મામલે આરોપી જયદીપ ગામીત અને સુરેખાબેન ગામીત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!