ગુજરાત : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023માં, એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે.
આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન પ્રભાગ માટે વર્ષ ૨૦૨૪-૫૦ના બજેટમાં ₹ ૨૦૭૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.
તાજેતરમાં, ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-૨૦ બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-૨૦ બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-૨૦ દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-૨૦ પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.