હત્યારા મા-બાપ: ૨ વર્ષની બાળકીના માથામાં હેમરેજ અને શરીર પર બીડીના ડામ, વાંચીને કાળજું કંપી જશે

ભુજની ભાગોળે આવેલા એશિયાના સૌથી ધનિક ગામ તરીકે ઓળખાતા માધાપર ગામના જૂનાવાસ વિસ્તારની એક સોસાયટીમાં છેલ્લા પાંચ મહિનાથી બંધ દરવાજા પાછળ ખેલાઈ રહેલું હીન કૃત્ય બહાર આવતા કચ્છ સહીત બૃહદ કચ્છમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક સગી જનેતા અને સાવકા પિતાએ માત્ર બે વર્ષની બાળકીને મારી નાખવાના ઈરાદે અત્યાચારની તમામ હદો વટાવી દીધી હતી. પાડોશીઓની સતર્કતાને કારણે માસૂમનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, માધાપરની આ સોસાયટીમાં ઉત્તર પ્રદેશનું એક યુગલ છેલ્લા પાંચ-છ મહિનાથી રહેવા આવ્યું હતું. પતિ ટ્રક ડ્રાઈવિંગ કરે છે. પાડોશીઓને અવારનવાર ઘરના બંધ દરવાજા પાછળથી નાની બાળકીની દર્દનાક ચીસો સંભળાતી હતી. જ્યારે પણ પાડોશીઓ આ અંગે પૂછપરછ કરતા, ત્યારે ક્રૂર માતા “મેરી બેટી હૈ, મેં જો ચાહે કરું” કહીને લોકોને ધમકાવી દેતી હતી.આ દરમ્યાન ગત બુધવારે બપોરે ૨ વાગ્યાના અરસામાં બાળકીના રડવાનો અવાજ અસહ્ય બની જતાં પાડોશીઓએ એકઠા થઈને ઘરનો દરવાજો ખોલાવ્યો હતો. અંદરની હાલત જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. બે વર્ષની બાળકી લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં કણસતી હતી. તુરંત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

જી.કે. જનરલ હોસ્પિટલના તબીબો અને નર્સો જ્યારે બાળકીની સારવાર કરી રહ્યા હતા ત્યારે તેની હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા. કુમળી વયની બાળકીના પીઠ અને થાપાના ભાગે બીડીના અનેક ડામ આપવામાં આવ્યા હતા,શરીર પર અને હોઠ પર બચકાં ભરેલા નિશાન હતા. માતાએ બાળકીનું માથું દીવાલમાં ભટકાવતા તેને કપાળમાં હેમરેજ થઈ ગયું હતું.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બાળકીની માતાએ આ બીજા લગ્ન કર્યા હતા. સાવકા પિતાને આ બાળકી ગમતી ન હોવાથી તે તેની પર નિર્દયતાથી અત્યાચાર ગુજારતો હતો. નવાઈની વાત એ છે કે, પતિને ખુશ રાખવા માટે સગી જનેતા પણ પોતાની જ ફૂલ જેવી દીકરી પર જુલમ ગુજારવામાં સાથ આપતી હતી.માધાપરના મહિલા પી.આઈ એ.કે. જાડેજાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે આરોપી યુગલ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ,પોક્સો એક્ટની કલમ ૯ અને ૧૦, બાળ ન્યાય અધિનિયમની કલમ ૭૫ મુજબ ગુનો નોંધી બંને નરાધમોની ધરપકડ કરી લીધી છે. હાલ માસૂમ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!