બરંદામાં યુવાનના રહસ્યમય મોતનો મામલો: કબરમાંથી મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

ભુજ : લખપત તાલુકાના બરંદા ગામમાં ચાર દિવસ અગાઉ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનું માનવામાં આવેલા 26 વર્ષીય યુવાનના મોતના કેસમાં નવા વળાંક સાથે પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. યુવાનના મોતમાં કોઈ શંકાસ્પદ સંજોગો હોવાની લેખિત અરજી મળતાં નારાયણ સરોવર પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબરમાંથી મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

મળતી માહિતી મુજબ, બરંદા ગામના રહેવાસી સિધિક ઉર્ફે ઈરફાન અલીમામદ પડિયાર (ઉ.વ. 26) ગત 25 જૂને બપોરે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગામની સીમમાં આવેલી બાવળની ગીચ ઝાડીઓમાંથી તેમનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.તાજેતરમાં જ લગ્ન થયેલા યુવાનના અચાનક અવસાનથી પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારજનોએ ઘટનાને આત્મહત્યા માની પોલીસને જાણ કર્યા વિના બીજા દિવસે સવારે મૃતદેહની દફનવિધિ પૂર્ણ કરી હતી. જોકે, પોલીસ કાર્યવાહી વિના કરાયેલી દફનવિધિને લઈને સ્થાનિક સ્તરે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી.દરમિયાન, એક જાગૃત નાગરિક દ્વારા યુવાનના મોતમાં કોઈ ‘ફાઉલ પ્લે’ અથવા ગંભીર શંકા હોવાની લેખિત રજૂઆત નારાયણ સરોવર પોલીસને કરવામાં આવી હતી. અરજીને ગંભીરતાથી લઈ પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જરૂરી મંજૂરી મેળવી આજે વહેલી સવારે નાયબ મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં કબરમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને તબીબોની વિશેષ પેનલ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની દેખરેખ હેઠળ થનારા પોસ્ટમોર્ટમ બાદ મોત આત્મહત્યા છે કે તેમાં કોઈ અન્ય કારણ જવાબદાર છે તે અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે મૃતક છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થતાનો ભોગ બન્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. પોલીસે આ દાવાની ખરાઈ કરવા માટે સારવાર સંબંધિત મેડિકલ દસ્તાવેજો અને દવાઓના પ્રિસ્ક્રિપ્શન કબજે લીધા છે.નારાયણ સરોવર પોલીસના તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે જ મોતનું ચોક્કસ કારણ જાહેર થઈ શકશે. હાલ સમગ્ર મામલે તમામ દિશામાં તપાસ ચાલુ રાખવામાં આવી છે.

error: Content is protected !!