નવસારી: ફ્રૂટના ભાવ બાબતે થયેલી બોલાચાલીમાં લોહિયાળ જંગ,સામસામી ફરિયાદ નોંધાઈ

નવસારી શહેરમાં હબીબ લઝીઝ હોટલ સામે જાહેરમાં ફ્રૂટ ખરીદવા બાબતે થયેલી સામાન્ય રકઝક ઉગ્ર બની હતી અને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં ચપ્પુ અને પથ્થરબાજી થતાં ત્રણથી વધુ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. નવસારી ટાઉન પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ફરિયાદી સાદીકખાન સાબીરખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ભાઈ સલમાન અને સંબંધી ફારૂક અજમત જાયેદઅલીની લારી પર ફ્રૂટ ખરીદવા ગયા હતા. ફ્રૂટના ભાવ બાબતે બોલાચાલી થતા આરોપી અજમતે તેના મિત્રોને બોલાવી પથ્થર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફારૂકને માથામાં ગંભીર ઇજા થતા તેને આઈ.સી.યુ. (ICU) માં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે સાદીકખાન અને સલમાનને પણ માથાના ભાગે ટાંકા આવ્યા છે.

સામે પક્ષે ફ્રૂટ વિક્રેતા અઝમતઅલી ઝાયેદઅલી ખાને પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફારૂક શેખ અને સલમાન ખાન ફ્રૂટ લેવા આવ્યા ત્યારે ભાવ બાબતે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન સાદીક ખાન પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્રણેયે ભેગા મળી વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં વેપારી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર હેઠળ છે. નવસારી ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

error: Content is protected !!