નવસારી જિલ્લામાં રવિવારે માર્ગ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે, જેમાં એક ૧૮ વર્ષીય બાઇક ચાલકની બેદરકારીને કારણે અને બીજી ઘટનામાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ગણેશ સિસોદ્રા નજીક મુનસાડ થી નવસારી આવતા રોડ પર સવારના આશરે બે મોપેડ સામસામે અથડાઈ હતી. ફરિયાદી ઇરશાદ અહેમદ અંસારીના જણાવ્યા મુજબ, તેમનો નાનો ભાઈ અર્શદ મોહમદ રઝાક અંસારી (ઉ.વ.૩૧) પોતાની જ્યુપીટર મોપેડ પર દુકાને જઈ રહ્યો હતો,ત્યારે સામેથી આવતી કે.ટી.એમ. બાઇકના ચાલક નિકુંજ ભરતભાઇ હળપતી (ઉ.વ.૧૮) એ પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇક ચલાવી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અર્શદને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નવસારી રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે અકસ્માતની બીજી ઘટના નેશનલ હાઇવે નં.૪૮ પર સિસોદ્રા પાટીયા પાસે બની હતી. રાત્રિના સમયે પલસાણા ખાતે નોકરી પૂરી કરી પરત ઘરે જઈ રહેલા મંગુભાઈ રાજુભાઇ હળપતિ (ઉ.વ.૩૦) ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મંગુભાઈનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. મૃતકના ભાઈ રાહુલભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.





