નવી દિલ્હી : પેપર લીકના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)એ 3 મેના રોજ લેવાયેલી NEET (UG) 2026 પરીક્ષા રદ કરી દીધી હતી અને તેનાથી આશરે 23 લાખ વિદ્યાર્થીઓની મહેનત અને સપના પર પાણી ફરી વળ્યું હતુ. સરકારે પેપરલીકની સર્વગ્રાહી તપાસ સીબીઆઇને સોંપી હતી અને કેન્દ્રીય એજન્સીએ એક એફઆઇઆર દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. 
મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા નવેસરથી લેવામાં આવશે અને તેની નવી તારીખો આગામી સાતથી દસ દિવસમાં જાહેર કરાશે. સમગ્ર પરીક્ષાને રદ કરી દેવામાં દેશભરમાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. વિપક્ષે પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. વિપક્ષે તેને વહીવટી નિષ્ફળતા, વિદ્યાર્થીઓ પ્રત્યે અસંવેદનશીલતા ગણાવી હતી. રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજનમાં વારંવાર ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરીને વિપક્ષે માગ કરી હતી કે NTAમાં ધરમૂળથી ફેરફારો કરવાની જરૂર છે.
પરીક્ષા રદ થવાની જાહેરાત થયા પછી તરત અનેક સ્થળોએ NSUI, SFI અને અન્ય સંગઠનોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો, પરંતુ NTAએ કહ્યું હતું કે આ મુદ્દો બાળકો માટે, તેમના માતાપિતા માટે અને સમગ્ર ઇકોસિસ્ટમ માટે ચિંતાનો વિષય છે.સીબીઆઈએ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસ ભંગ, ચોરી અને પુરાવાનો નાશ કરવાની આકરી જોગવાઈ હેઠળ કેસ દાખલ કર્યો હતો.એજન્સીએ વિવિધ સ્થળોએ અનેક ખાસ ટીમો મોકલી છે અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પાસેથી પણ સામગ્રી એકત્રિત કરશે. રાજસ્થાન પોલીસ SOG એ દાવો કર્યો હતો કે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં કથિત રીતે ફરતા કેમિસ્ટ્રીના ‘ગેસ પેપર’માં આશરે 410 પ્રશ્નો હતા અને તેમાંથી આશરે 120 પ્રશ્નપત્રમાં બેઠા પૂછવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રના નાશિકમાં પેપર લીક સંદર્ભે એક વ્યક્તિની અટકાયત કરાઈ હતી.
NTAએ X પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય પારદર્શિતા જાળવવા અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ જાળવવાના હિતમાં લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 3મેના રોજ ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી હતી જેમાં દેશભરમાં લગભગ 23 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. દેશભરના NEET વિદ્યાર્થીઓ, માતા-પિતા અને કોચિંગ શિક્ષકોમાં ભારે આઘાત, નિરાશા અને ગુસ્સો જોવા મળ્યા હતા.વિપક્ષી નેતાઓએ પ્રવેશ પરીક્ષાઓમાં વારંવાર સર્જાતા વિવાદો માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. પરીક્ષા કેન્દ્રોની AI આધારિત CCTV દેખરેખ કેન્દ્રીય કંટ્રોલ રૂમથી કરવામાં આવી હતી. ગેરરીતિઓ અંગેની માહિતી 7 મેની સાંજે મળી હતી. આ પછી 8 મેની સવારે સ્વતંત્ર ચકાસણી અને જરૂરી કાર્યવાહી માટે મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો.
આકરી ટીકાનો સામનો કરી રહેલી એનટીએએ જણાવ્યું હતું કે ફરીથી યોજાનારી પરીક્ષા માટે મે 2026ના રજિસ્ટ્રેશન ડેટા, ઉમેદવારીપત્રોનો ઉપયોગ કરાશે. નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં અને વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફરી લેવાશે નહીં.કથિત પેપરલીક મામલે સીબીાઇ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે માહિતી મેળવીને તપાસ તેજ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી કુલ 16 વ્યક્તિઓને અટકાયતામાં લેવામાં આવ્યાં છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની ધારણા છે. મહારાષ્ટ્રના ઇન્દિરાનગરમાંથી બે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં.
NTAના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું હતું કે પેપર લીકની ઘટનાઓ તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ. દુર્ભાગ્યની બાબત છે કે આપણે આજે આવી સ્થિતિમાં પહોંચ્યા છીએ. આ મુદ્દો આપણા દેશના બાળકો, તેમના માતા-પિતા અને સમગ્ર પરીક્ષા પ્રણાલી માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ પરીક્ષા પ્રણાલીમાં બે લાખથી વધુ લોકો જોડાયેલા હતાં, જે કંઈ બન્યું છે તેની જવાબદારી અમે સ્વીકારીએ છીએ. આ ખોટું હતું. તેથી અમે પરીક્ષા રદ કરી રહ્યા છીએ અને ફરીથી પરીક્ષા યોજવાની તૈયારી કરી રહ્યા છીએ.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કહેવાતો ‘અમૃત કાળ’ દેશ માટે ‘વિષકાળ’ બની ગયો છે. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, બલિદાન અને સપનાઓ આ ભ્રષ્ટ BJP શાસને ચકનાચૂર કરી નાખ્યાં છે. લાખો બાળકો રાતભર જાગીને અભ્યાસ કરતા રહ્યાં અને બદલામાં તેમને પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રમાં સંગઠિત ભ્રષ્ટાચાર મળ્યો. આ માત્ર નિષ્ફળતા નથી, પરંતુ યુવાનોના ભવિષ્ય સામે થયેલો ગુનો છે.





