LPG અને નેચરલ ગેસ પર નવા ટેક્સની વિચારણા, ગેસ સિલિન્ડર રૂ.18 સુધી મોંઘો થઈ શકે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર રસોઈ ગેસ (LPG) અને નેચરલ ગેસ પર વધારાનો ટેક્સ વસૂલવાની યોજના પર વિચાર કરી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં અંદાજે રૂ.18નો વધારો થઈ શકે છે, જેના કારણે સામાન્ય નાગરિકો પર વધારાનો આર્થિક બોજ પડી શકે છે.

અહેવાલ મુજબ, સરકાર ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે આશરે 42 અબજ ડોલર (લગભગ રૂ.3.99 લાખ કરોડ)નું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ માટે એલપીજી પર પ્રતિ કિલોગ્રામ રૂ.1.29 અને નેચરલ ગેસ પર પ્રતિ સ્ટાન્ડર્ડ ઘન મીટર રૂ.1.43નો વધારાનો ચાર્જ વસૂલવાનો વિચાર ચાલી રહ્યો છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ક્રૂડ ઓઇલની આયાત પર ભારતની નિર્ભરતાને ધ્યાનમાં રાખીને સરકાર વ્યૂહાત્મક ઇંધણ ભંડાર મજબૂત કરવા માંગે છે. જોકે, આ અંગે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

error: Content is protected !!