નવી દિલ્હી: લાંચ માંગવાના આરોપમાં સરકારી કર્મચારી સામે તપાસ કે કાનૂની કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી જરૂરી નથી, તેવો મહત્ત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ મળતું રક્ષણ સરકારી કર્મચારીઓની પ્રામાણિક કામગીરી માટે છે, લાંચ જેવા ગુનાહિત કૃત્યો માટે નહીં.
જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની પીઠે રાજસ્થાનના એક પોલીસ કોન્સ્ટેબલના કેસમાં આ ચુકાદો આપ્યો હતો. કોન્સ્ટેબલ પર રૂ. 1.5 લાખની લાંચ માંગવાનો આરોપ હતો. તેણે પોતાની સામે નોંધાયેલી FIR અને ચાર્જશીટ રદ કરવાની માગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી.
કોર્ટે જણાવ્યું કે, લાંચ માંગવી એ સરકારી ફરજનો ભાગ નથી અને તેને સત્તાવાર નિર્ણય કે કામગીરી સાથે સાંકળી શકાય નહીં. તેથી આવા કેસમાં કલમ 17A હેઠળ પૂર્વ મંજૂરીનું રક્ષણ મળતું નથી. ઉલ્લેખનીય છે કે, આ કલમ 2018માં કાયદામાં ઉમેરવામાં આવી હતી, જેથી સરકારી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવતી વખતે પ્રામાણિકતાથી લીધેલા નિર્ણયો બદલ બિનજરૂરી તપાસ કે હેરાનગતિનો ભોગ ન બને. (courtesy)





