પાછલા લાંબા સમયથી ગુજરાતમાંથી વરસાદે વિરામ લીધો હતો. જો કે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાંછટીયો વરસાદ નોઁધાઈ રહ્યો હતો. ત્યારે હવે લગભગ વરસાદની વાટે બેઠા ખેડૂતોને લગભગ રાહત મળશે.હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે રાજ્યમાં ભારે વરસાદ લાવી શકે છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે, જેનાથી ખેડૂતો અને નાગરિકોને રાહત મળશે.
આ હવામાન સિસ્ટમની અસર 15 ઓગસ્ટથી ગુજરાતમાં શરૂ થઈ શકે છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે. જન્માષ્ટમીના દિવસે એટલે કે 16 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદની વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ સિસ્ટમ ભેજવાળા પવનોને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ લઈ આવશે.વેધર મોડલ્સ અનુસાર, 16 થી 23 ઓગસ્ટ સુધી ગુજરાતમાં જોરદાર વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન અરબ સાગરમાં પણ હવામાન સિસ્ટમ સક્રિય થઈ શકે છે. એવું પણ અનુમાન છે કે આ સિસ્ટમની અસર ઓછી થવા લાગશે ત્યાં જ બીજી એક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે.
આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે, જે રાજ્યના ખેતી અને પાણીની જરૂરિયાતો માટે ફાયદાકારક રહેશે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સિસ્ટમે 12 ઓગસ્ટથી આકાર લેવાનું શરૂ કર્યું છે અને 13 ઓગસ્ટની સાંજ સુધીમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ સિસ્ટમનો ટ્રેક સીધો ગુજરાત તરફ છે, જેના કારણે 16 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ સિસ્ટમના ફંટાઈ જવાની કે ગુજરાતથી દૂર જવાની શક્યતા ઓછી છે, જેથી રાજ્યમાં વરસાદી માહોલ લાંબો સમય રહેવાની આશા છે.