ભુજ/ગાંધીધામ: રાજ્ય સરકારની કડક સૂચના બાદ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શરૂ કરાયેલા ખાસ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ એક મોટી સફળતા મળી છે. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ૨૭ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા બાદ હવે તેમની સામે કાયદાકીય સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ SOG ની કચેરી ખાતે આ તમામ ઘૂસણખોરોને લાવીને કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કે સ્થાનિક સ્તરે કોઈ મોટા નેટવર્કની સંડોવણી છે કે નહીં, તે અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ, પૂર્વ કચ્છ પોલીસની જુદી-જુદી ટીમોએ ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભચાઉ પંથકમાં આવેલી વિવિધ ઔદ્યોગિક કંપનીઓ તેમજ લાકડાના બેન્સાઓમાં (સો-મિલ) આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન કુલ ૩૭ શંકાસ્પદ શ્રમિકોની અટકાયત કરવામાં આવી હતી.સ્થાનિક પોલીસ મથકે કરાયેલી પ્રાથમિક પૂછપરછ અને દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી દરમિયાન મોટો ખુલાસો થયો હતો. અટકાયત કરાયેલા શ્રમિકોમાંથી બાળકો અને મહિલાઓ સહિત ૨૭ નાગરિકો કોઈપણ કાયદેસરના પાસપોર્ટ કે વિઝા વિના ભારતીય સરહદમાં ઘૂસીને વસવાટ કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ તમામ ૨૭ બાંગ્લાદેશી નાગરિકોને આગળની ઊંડાણપૂર્વકની તપાસ માટે એસ.ઓ.જી. પોલીસ સમક્ષ હાજર કરાયા છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં ગુનાહિત વિગતો સ્પષ્ટ થયા બાદ આ તમામ નાગરિકોના સત્તાવાર દસ્તાવેજો બાંગ્લાદેશી દૂતાવાસ ખાતે મોકલવામાં આવશે. ત્યાંથી ગેરકાયદેસર વસવાટ અંગેનો આખરી અભિપ્રાય અને મંજૂરી ન મળે ત્યાં સુધી આ તમામ ૨૭ લોકોને પોલીસ હેડક્વાર્ટર અથવા અન્ય નિયત કરાયેલી સુરક્ષિત જગ્યાએ કડક પોલીસ જાપતા હેઠળ રાખવામાં આવશે. દૂતાવાસ દ્વારા લીલી ઝંડી મળ્યા બાદ જ તમામને સરહદ પાર પરત મોકલવાની (ડિપોર્ટ કરવાની) કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.આ કાર્યવાહી બાદ પણ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લામાં હજુ પણ આવા અન્ય કોઈ વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે આશ્રય મેળવીને રહેતા નથી ને, તેની ખરાઈ કરવા માટે પોલીસે સમગ્ર પૂર્વ કચ્છ પંથકમાં સઘન કોમ્બિંગ ડ્રાઈવ ચાલુ રાખી છે, જેને પગલે ગેરકાયદે રહેતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.





