પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા વધુ સરળ: હવે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા રાજ્યભરના નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી પાસપોર્ટ પોલીસ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને નાગરિકમૈત્રી બનાવવા મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. તમામ પોલીસ સ્ટેશનો અને સંબંધિત અધિકારીઓને આ સૂચનાઓનું કડક પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

નવી માર્ગદર્શિકા અનુસાર હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર રહેવાની કોઈ જરૂર રહેશે નહીં. પોલીસ દ્વારા વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની ભારતીય નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવામાં આવશે.

માર્ગદર્શિકામાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અરજદારના સરનામાની અલગથી ચકાસણી, રૂબરૂ મુલાકાત અથવા અરજદારની સહી લેવાની પણ સામાન્ય રીતે કોઈ આવશ્યકતા નથી. માત્ર અપવાદરૂપ સંજોગોમાં, જો પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધારાની ખરાઈ કરવાની જરૂરિયાત ઊભી થાય, ત્યારે જ રહેઠાણ સ્થળની મુલાકાત લેવામાં આવશે. આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે નહીં.

રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને આ નવી પ્રક્રિયાનું કડકપણે પાલન કરવા સૂચના આપી છે. સાથે જ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નવી અને સરળ બનાવાયેલી પ્રક્રિયાથી માહિતગાર રહે તેમજ કોઈપણ બિનજરૂરી કાર્યવાહી કે ધક્કા ખાવાથી બચે.

આ નિર્ણયથી પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને નાગરિકોને અનુકૂળ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

error: Content is protected !!