કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે હળવી શૈલીમાં પણ ગંભીર પ્રશ્ન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાન મસાલા ખાઈને પછી રસ્તા પર થૂંકનારા લોકો સાથે કઈ રીતે વર્તવું જોઈએ. આ અંગે નીતિન ગડકરીએ કહ્યું છે કે જે લોકો રસ્તા પર થૂંકે તેની તસવીરો લઈને અખબારોમાં છાપવી જોઈએ. નાગપુર નાગરિક સંસ્થા દ્વારા આયોજિત ‘સ્વચ્છ ભારત અભિયાન’ કાર્યક્રમને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે આપણાં દેશના લોકો જ્યારે બીજા દેશોમાં સારો વ્યવહાર બતાવે છે પરંતુ પોતાના દેશમાં તેઓ સહજ રીતે કચરો રસ્તા પર ફેંકી દે છે.
મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં સંબોધતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “લોકો ખૂબ જ હોશીયાર છે. ચોકલેટ ખાધા પછી તરત જ રેપર ફેંકી દે છે. જો કે જ્યારે તેઓ વિદેશ જાય છે ત્યારે ચોકલેટ ખાધા પછી કવરને પોતાના ખિસ્સામાં રાખી લે છે અને વિદેશમાં સારી રીતે વર્તે છે.” તેણે કહ્યું કે પહેલા મને કારની બહાર ચોકલેટ રેપર ફેંકવાની આદત હતી. આજે જ્યારે હું ચોકલેટ ખાઉં છું ત્યારે રેપર ઘરે લઈ જઈને ડસ્ટબીનમાં ફેંકી દઉં છું.” જાહેર જગ્યાઓ પર સ્વચ્છતાનો મુદ્દો ઉઠાવતા નીતિન ગડકરીએ કહ્યું કે જે લોકો પાન મસાલા ખાય છે અને રસ્તા પર થૂંકે છે તેમની તસવીરો જાહેર કરવી જોઈએ જેથી લોકો જોઈ શકે. તેમણે વધુમાં કહ્યું કે, “મહાત્મા ગાંધીજીએ પણ આવા પ્રયોગો કર્યા હતા.” નાગપુરના સાંસદ નીતિન ગડકરીએ પણ કચરાને ઉપયોગી વસ્તુઓમાં રૂપાંતરિત કરવાની હિમાયત કરી હતી.