પટિયાલાના ઘુમ્મન નગર વિસ્તારમાં ભાડાનું મકાન જોવા ગયેલા દંપતી પર પાળેલા પિટબુલ શ્વાને અચાનક હુમલો કરતાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. શેફાલી નામની મહિલાને બંને હાથ અને જાંઘમાં ગંભીર ઈજાઓ થતાં મેજર સર્જરી કરાવવી પડી હતી, જ્યારે તેના પતિ અંકિત સભરવાલને પગ, પીઠ સહિત શરીરના અનેક ભાગે ઈજાઓ થતાં ટાંકા લેવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, દંપતી પ્રોપર્ટી ડીલરના કહેવાથી મકાન જોવા પહોંચ્યું હતું. મુખ્ય દરવાજો ખોલતાં જ પિટબુલે હુમલો કર્યો હતો. પત્નીને બચાવવા જતા અંકિત પણ ઘાયલ થયા હતા. આસપાસના લોકો લાઠીઓ સાથે દોડી આવતાં દંપતીનો બચાવ થયો હતો.
ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બનાવ બાદ પટિયાલા નગર નિગમે પિટબુલ જેવી આક્રમક નસ્લના શ્વાનોના પાલન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કર્યો છે. આગામી હાઉસ મીટિંગમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. પોલીસે પણ માલિક સામે કાર્યવાહી શરૂ કરી છે.





