લોકોના જીવ સાથે રમત: અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ કર્યો

અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ લોકોના આરોગ્ય સાથે સીધી છેડછાડ કરતી એક ગંભીર ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ચાંગોદર નજીકના એક ભાડાના મકાન પર દરોડો પાડી પોલીસે બ્લડ પ્લાઝમાની ચોરી કરી તેના સ્થાને ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા સપ્લાય કરતી ટોળકીના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી (ધાનેરા), મોહન ગાયકવાડ (મહારાષ્ટ્ર), રફીક (ધોળકા) અને જીતેન્દ્ર સોલંકી (ધોળકા)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી અંદાજે રૂ. 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 11 લાખની કિંમતના 1,150 બ્લડ પ્લાઝમા યુનિટ, કેમિકલની બોટલો, ડીપ ફ્રીઝર, સીલિંગ મશીન અને એક વાહનનો સમાવેશ થાય છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાથી સમગ્ર પ્રક્રિયાથી સારી રીતે પરિચિત હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી એકત્ર કરાયેલ અસલી બ્લડ પ્લાઝમા લઈને આવતું ટ્રાન્સપોર્ટેશન વાહન કંપનીમાં પહોંચાડવાને બદલે ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી અને ક્લીનર રફીક તેને સીધું દિનેશ ચૌધરીના ઘરે લઈ જતા હતા. ત્યાં અસલી પ્લાઝમા કાઢી લેવામાં આવતું અને તેના સ્થાને સલાઈન વોટર મિશ્રિત નકલી પ્લાઝમા ભરી વજન સરખું રાખીને કંપનીમાં મોકલી દેવામાં આવતું હતું.પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ છેલ્લા છ મહિનાથી ચોરી કરાયેલા અસલી બ્લડ પ્લાઝમાને બજારભાવ કરતાં લગભગ અડધી કિંમતે વિવિધ બ્લડ બેંકોમાં વેચીને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવી રહ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ, આ બ્લડ પ્લાઝમાનો ઉપયોગ કેન્સર વિરોધી જીવનરક્ષક દવાઓના ઉત્પાદન ઉપરાંત હિમોફિલિયા અને રોગપ્રતિકારક શક્તિની ગંભીર ખામી ધરાવતા દર્દીઓને સીધો ચડાવવા માટે થાય છે. આવી જીવનરક્ષક સામગ્રીમાં ભેળસેળ થવી દર્દીઓના આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આ ઉપરાંત, ચોરી કરાયેલા અસલી પ્લાઝમાને નિયમ મુજબ માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સાચવવાની જગ્યાએ સામાન્ય બરફના બોક્સમાં રાખવામાં આવતું હતું. જેના કારણે પ્લાઝમા બગડી જવાની શક્યતા રહેતી હતી અને તેનો ઉપયોગ દર્દીઓ માટે જીવલેણ બની શકે તેમ હતો.અમદાવાદ ગ્રામ્ય એસઓજી હાલ તપાસ કરી રહી છે કે આ ભેળસેળયુક્ત પ્લાઝમાનો જથ્થો કઈ-કઈ ફાર્માસ્યુટિકલ કંપનીઓ અથવા અન્ય સંસ્થાઓ સુધી પહોંચ્યો હતો તેમજ સમગ્ર કૌભાંડમાં થયેલા નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા શું હતી.આ કેસ આરોગ્ય ક્ષેત્રમાં સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પોલીસની તપાસ આગળ વધતાં આ કૌભાંડના વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

error: Content is protected !!