ઉદ્યોગપતી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા માટે પીએમ મોદી જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન શુક્રવારે સંપન્ન થયા હતા. ત્યારબાદ આજે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ‘શુભ આશીર્વાદ’ કાર્યક્રમનું આયોજન થયું હતું. મુકેશ અંબાણીએ ગેટ પર આવી પીએમ મોદીનું સ્વાગત કર્યું અને ત્યારબાદ હોલમાં અંદર લઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપ્યા હતા. પીએમ મોદી પહોંચ્યા એટલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે મુલાકાત કરાવી હતી. આ દરમિયાન અનંત અને રાધિકાએ પીએમ મોદીને પગે લાગી તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ શ્લોકા અંબાણી અને આકાશ પણ પીએમ મોદીને પગે લાગ્યા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12 જુલાઈએ જિયો વર્લ્ડ સેન્ટરમાં વૈદિક રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા. આ દરમિયાન વર-કન્યાની તસવીરો અને વીડિયોઝ સામે આવ્યા, જેમાં બંને સુંદર લાગી રહ્યાં હતા. લગ્ન માટે અનંત-રાધિકાએ અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આઉટફિટ પહેર્યા હતા. જ્યાં અનંત લાલ કલરની શેરવાનીમાં જોવા મળ્યો તો વ્હાઇટ કલરના લહેંગામાં રાધિકા સુંદર લાગી રહી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ-વિદેશની દિગ્ગજ હસ્તિઓએ હાજરી આપી હતી. યુકેના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસનથી લઈને વિદેશી કલાકારો કિમ કાર્દશિયન, એક્ટર જોન સીના અને રેમા પણ શાહી લગ્નમાં સામેલ થયા હતા.