વાલોડમાં ચાલુ થાર ગાડીએ સ્ટંટ કરનાર યુવક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને લાઈક્સ મેળવવા માટે જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવવાનું ચલણ વધતું જાય છે, ત્યારે વાલોડ પોલીસે આવા જ એક સ્ટંટબાજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. વાલોડ-બુહારી રોડ પર ચાલુ ગાડીએ દરવાજો ખોલી જોખમી રીતે સ્ટંટ કરનાર દાદરીયા ગામના યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સોશિયલ મીડિયા પર દેખરેખ દરમિયાન ‘Shiv Patel’ નામના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં એક કાળા કલરની મહીન્દ્રા થાર ગાડી નંબર GJ-26-AK-0020 નો ચાલક રાત્રિના સમયે વાલોડ-બુહારી હાઈવે પર બુહારી હાઈસ્કૂલની સામે જોખમી રીતે ગાડી હંકારી રહ્યો હતો. યુવકે ચાલુ ગાડીએ દરવાજો ખોલી સ્ટંટ કર્યા હતા, જેનાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ગાડી શીવકુમાર નીલેશભાઇ પટેલ (રહે. પટેલ ફળીયુ, દાદરીયા, તા.વાલોડ) ચલાવી રહ્યો હતો. પોલીસે આ યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. વાલોડ પોલીસે આરોપી શીવકુમાર પટેલ વિરુદ્ધ તા.7 એપ્રિલ નારોજ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!