તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કોર્ડને એક મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૧૪માં સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૧૨ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન.દેસાઈ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત એલ.સી.બી. પી.આઈ. ડી.એસ.ગોહિલ અને પેરોલ ફર્લો સ્કોર્ડના પી.આઈ. જે.બી.આહિરના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો તપાસમાં હતી.
દરમિયાન, એ.એસ.આઈ. ધર્મેશભાઈ મગનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈને બાતમી મળી હતી કે સોનગઢ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી શાંતારામ ઉર્ફે સાન્યા પ્રતાપ કોળી (ઉં.વ.૪૦, રહે.હાથેડ, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર) હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી શાંતારામ રીઢો ગુનેગાર છે. તેની સામે મહારાષ્ટ્રના ચોપડા રૂરલ, ધુલિયા, ધરનગાંવ અને ચાલીસગાંવ જેવા અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ઘરફોડ ચોરીના કુલ ૧૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.





