પોલીસે સંયુક્ત ઓપરેશનમાં નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો : સસ્પેન્ડેડ તલાટી-મંત્રી સહિત નવ આરોપીઓની ધરપકડ

સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રૂપ (એસઓજી) અને દ્વારકા જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ ગુનામાં સંડોવણી બદલ સસ્પેન્ડેડ તલાટી-મંત્રી સહિત નવ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ યુકેની મુસાફરી કરવા માંગતા લોકો માટે વિઝા મેળવવા માટે સત્તાવાર જન્મ રેકોર્ડમાં ફેરફાર કરીને બર્થ સર્ટિફિકેટ આપતા હતા.

એસઓજી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શંકાસ્પદ વ્યક્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કર્યા પછી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલાક ઇસમો સરકારી જન્મ રેકોર્ડ સાથે ચેડા કરી, અધિકૃત એન્ટ્રીઓ નાશ કરીને નકલી જન્મ રેકોર્ડ બનાવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ એન્ટ્રીઓનો ઉપયોગ કરીને ગ્રામ પંચાયતના ઓનલાઇન પોર્ટલ પર નકલી જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ અલગ-અલગ શહેરોમાં કામને અંજામ આપતા હતા. જેમાં નામ અને અટકમાં સુધારા કરીને બનાવટી પાસપોર્ટ તેયાર કરતાં હતા. જ્યારે આરોપીઓ તલાટી પાસેથી ખોટી રીતે જન્મનો દાખલો મેળવી કૌભાંડ આચરતા હતા. પૂછપરછમાં તેમણે ખુલાસો કર્યો કે તે આ કામ પોરબંદરના એક વ્યક્તિ માટે કરી રહ્યા હતા.

આરોપીઓ યુકેની મુસાફરી કરવા ઇચ્છતા વ્યક્તિઓને નિશાન બનાવતા હતા, પછી પોર્ટુગીઝ નાગરિકો માટે પાસપોર્ટ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો અને માહિતી મેળવતા હતા. તલાટી જૂના રેકોર્ડ કાઢી નાખી, અરજદારો માટે નકલી જન્મ પ્રમાણપત્રો બનાવતા. નામ અને જન્મ તારીખ બદલીને તેમને 21 વર્ષથી ઓછી ઉંમરના બતાવતા હતા. આ નકલી જન્મ પ્રમાણપત્રોના આધારે આધાર કાર્ડ જેવા અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દસ્તાવેજો પાસપોર્ટ એજન્ટને સોંપવામાં આવ્યા હતા, જેમણે ખોટી માહિતી સાથે પાસપોર્ટ વેબસાઇટ પર છેતરપિંડીભર્યા દસ્તાવેજો અપલોડ કર્યા હતા. ત્યારબાદ, યુકેની મુસાફરી કરવા ઈચ્છતા અરજદારોને પાસપોર્ટ આપવામાં આવ્યા હતા અને તેમને વિઝા અરજી પ્રક્રિયા દરમિયાન તેમના દસ્તાવેજો વિશેના પ્રશ્નોના જવાબ આપવા માટે તાલીમ આપવામાં આવી હતી.પોલીસે તપાસ દરમિયાન ઓનલાઇન પોર્ટલ એન્ટ્રીઓ, પાસપોર્ટ નંબર અને પાસપોર્ટની નકલો સહિત ઘણા દસ્તાવેજો એકત્રિત કર્યા હતા. સમગ્ર રેકેટ દમણ, દીવ અને ગોવાના વ્યક્તિઓ ચલાવતાં હતા.સમગ્ર કૌભાંડ મામલે પોલીસે પોરબંદર, સુરત, વલસાડ, દમણ ખાતેથી આરોપીઓને ઝડપી પાડને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!