ડોલવણના આંબાપાણી ખાતે આવેલ વનવાસી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં રસોઇયા દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાની જાણ હોવા છતાં જે મુદ્દે આદિજાતિ વિકાસ અધિકારી કે વડી કચેરીઓને જાણ નહીં કરી બેદરકારી દાખવવા બદલ પ્રિન્સીપાલ અને શાળાના ટ્રસ્ટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
માધ્યમો દ્વારા મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામે કાર્યરત વનવાસી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીનીઓને રસોઈ કામના ઇરાદે બોલાવી જેઓ સાથે રસોઈયા દ્વારા છેડતી કરવામાં આવતી હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એક વિદ્યાર્થીનીએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા હોય, ફરજમાં બેદરકારી દાખવવા બદલ પ્રિન્સીપાલ અને સંસ્થાના ટ્રસ્ટી સામે ગુનો દાખલ થયો છે. આશ્રમશાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રસોઇયા દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવતું હતું તથા બાળકોને આપવાની થતી પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ, ભોજન, રહેઠાણ અને બાળકોની સુરક્ષામાં અભાવ હોવાની હક્કીત મુદ્દે શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા દિવ્યરાજ આર.કઠવાડિયા અને ટ્રસ્ટી વેલીયાભાઈ સુરકાભાઈ ગામીત(રહે. બાલપુર)ને જાણ હોવા છતાં જેઓ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા, જે અંગે આદિજાતિ વિકાસ અધિકારી તાપી કે વડી કચેરીઓને મૌખિક કે લેખિતમાં જાણ કરવામાં ન આવતા તેમજ વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ કે છેડતીના કિસ્સા છતાં પોતે ફરીયાદ દાખલ કરાવવા કોઈ તજવીજ નહીં કરાતા પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી દ્વારા ફરજમાં નિષ્કાળજી દાખવી ગુનો કર્યાની ફરિયાદ આદિજાતિ વિકાસ વિભાગના દિવ્યેશકુમાર મહેશભાઈ પટેલ દ્વારા ડોલવણ પોલીસ મથકે કરવામાં આવી છે.





