Rain update : ગુજરાતના રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો

ગુજરાત : સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર પાણીમાં હોય તેમ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રિથી મેઘરાજાએ રાજ્યના તમામ જીલ્લામાં પધરામણી કરી છે. રાજ્યમાં ચોમાસાના આરંભે અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર રહેશે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, મહેસાણા, સાબરકાંઠા,  ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ  જાહેર કરાયું છે. પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 25 જિલ્લામાં ભારે વરસાદની આગાહી તેમજ 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 1 જૂન થી 3 જુલાઈ સુધી સરેરાશ કરતા 7 ટકા વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠામાં ભેસ્કા નદી બે કાંઠે વહેતી થઇ છે. કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા છલકાયા છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે. કોઝવે પરથી પાણી પસાર થતા અવર જવર બંધ કરી દેવાઈ છે.

વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દાંતી, કકવાડીના દરિયા કિનારે ઉંચા ઉંચા મોજા ઉછળ્યા છે.

માધવપુરમાં ગ્રામ્ય વિસ્તારને જોડતા અનેક રસ્તાઓ બંધ થતાં વાહન વ્યવહાર થંભી ગયો છે. મોટાભાગના ગામો પાણીમાં ગરકાવ થવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઓઝત-ભાદર નદીના ધસમસતા પ્રવાહને કારણે માધવપુરના ચિનગારીયાથી મંડેર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ જાતના વાહન વ્યવહાર અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા પેઢમાલા ગામ જળબંબાકાર થયું છે. ગાજવીજ સાથે મુશળધાર વરસાદથી હિંમતનગરના પેઢમાલા ગામ પાણીમાં તણાઈ ગયું છે. ડુંગર પરથી પાણી ગામમાં ઉતરતા પાણીના પ્રવાહથી ગામ બે ભાગમાં વહેંચાયુ છે.

error: Content is protected !!