રાજકોટ : રાજકોટ પોલીસ ની અઘોષિત કટોકટી જોવા મળી છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. પોલીસ કમિશનરે અગ્નિકાંડનું પાપ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે જેથી ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અગ્નિકાંડના ગોડફાધરને બચાવવા માટે રાજકોટ પોલીસ પ્રયાસ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.
રાજકોટ પોલીસ હંમેશા વિવાદમાં જોવા મળે છે ત્યારે આજે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા એ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશ નહીં આપવાનું તઘલખી ફરમાન બહાર પાડતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશનરે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકીને મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ પોલીસ કમિશનરની જે રીતે મનમાની જોવા મળી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે પોલીસ અગ્નિકાંડના ગોડફાધરને છાવરી રહી છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ પોલીસ અગાઉ પણ અનેકવાર બદનામ થઇ ચૂકી છે. પોલીસ કમિશનર તરીકે જ્યારે મનોજ અગ્રવાલ હતા ત્યારે પણ રાજકોટ પોલીસના અનેક કાંડ બહાર આવ્યા હતા. ત્યારબાદ ગેમઝોન અગ્નિકાંડ સમયે તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલી કરી દેવાઇ હતી અને હવે બ્રિજેશ કુમાર ઝા પણ વિવાદમાં આવ્યા છે.
બીજી તરફ કોંગ્રેસે સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરવા માગ કરી છે. ઉલ્લેખનિય છે કે 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા કોંગ્રેસ મેદાને છે. મનસુખ સાગઠિયા પર ભાજપ નેતાઓના ચાર હાથ હોવાની ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે. સાગઠિયાને ગિફ્ટમાં મળેલી સોનાની ભેટ નામાંકિત બિલ્ડરોએ આપી હોવાની પણ ચર્ચા થઇ રહી છે. હવે T અને ED પણ સાગઠિયાની સંપત્તિ અંગે તપાસ કરશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.