નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી જેમાં રાજ્યસભાના સાંસદ સંજય કુમાર ઝા ને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંજય ઝા પાર્ટીના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ છે. દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં સંજય ઝાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પાર્ટી અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે લાવ્યા હતા.
જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર સરકાર પાસેથી બિહાર માટે વિશેષ કેટેગરીનો દરજ્જો (વિશેષ રાજ્ય) અથવા વિશેષ પેકેજની માંગ કરવામાં આવી હતી. બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. જેડીયુની બેઠકમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે બિહારને વિશેષ દરજ્જો આપવા માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. રાજ્યના આર્થિક વિકાસ માટે આ અંગે નિર્ણય લેવો અત્યંત જરૂરી બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ વાત સ્વીકારે છે કે નહીં.
જેડીયુ નેતા સંજય ઝા અગ્રણી રાજકારણી છે. 2004-05માં સક્રિય રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો અને 2006માં બિહાર વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. રાજકારણમાં તેમને સફળથા મળી અને નીતિશકુમારની બિહાર સરકારમાં જળ સંસાધન અને માહિતી અને જનસંપર્ક વિભાગના મંત્રી તરીકે સેવા આપી હતી. 2024માં તેઓ બિહારમાંથી બશિષ્ઠ નારાયણ સિંહની જગ્યાએ જનતા દળ (યુનાઈટેડ) માટે રાજ્યસભાના સભ્ય (ભારત) તરીકે બિનહરીફ ચૂંટાયા. તેમની મહત્વનું યોગદાન રહ્યું છે કે તેમણે જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવતા, ઝાંઝરપુરમાં ટ્રોમા સેન્ટરના નિર્માણ માટે પૂર્વજોની જમીન દાનમાં આપી છે .
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લીધા બાદ બહાર આવેલા જનતા દળ (યુનાઈટેડ) ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે બિહાર આરક્ષણ કાયદા પરના પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. તેમણે કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અમે લડત ચાલુ રાખીશું. કેસી ત્યાગીએ કહ્યું, “તેમણે (સીએમ નીતિશ કુમાર) રાષ્ટ્રીય કાર્યકારિણીની સામે જાહેરાત કરી છે કે હવે તેઓ હંમેશા એનડીએ ગઠબંધનનો હિસ્સો રહેશે. બિહાર હાઈકોર્ટ દ્વારા રોકાયેલ અનામતને લઈને અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.