રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નું 87 વર્ષની વયે થયું નિધન

ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદ, તેલંગાણામાં અવસાન થયું છે. દેશ અને વિદેશમાં ખૂબ પ્રતિષ્ઠિત મીડિયા દિગ્ગજ અને ફિલ્મોના સમ્રાટ રામોજી રાવનું હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમણે સવારે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા. રામોજીના નિધનના સમાચાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રામોજી રાવના નિધન પર ઘણા સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. રામોજી રાવે 1984ના બ્લોકબસ્ટર રોમેન્ટિક ડ્રામા શ્રીવારિકી પ્રેમલેખા સાથે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું અને મયુરી, પ્રતિઘાટન, મૌના પોર્ટમ, મનસુ મમતા, ચિત્રમ અને નુવવે કાવલી સહિત અનેક ક્લાસિક્સનું નિર્માણ કર્યું હતું.

રામોજી રાવને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસની તકલીફને કારણે 5 જૂનના રોજ હૈદરાબાદના સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા . પરંતુ તેમની તબિયત દિવસે ને દિવસે વધુ બગડતી રહી અને શનિવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે રામોજી રાવે થોડા વર્ષો પહેલા આંતરડાના કેન્સર સામે સફળતાપૂર્વક લડત આપી હતી. રામોજી રાવ લાંબા સમયથી લાંબી બીમારી અને વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા.

રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડી ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેણે વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી બનાવ્યો. પત્રકારત્વ, સાહિત્ય, સિનેમા અને શિક્ષણમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ભારત સરકારે તેમને 2016માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.

error: Content is protected !!