અમરોલીમાં રહેતા નિવૃત્ત મહિલા સરકારી કર્મચારીએ ઇન્કમટેક્સનું રૂપિયા ૧ કરોડ રિબેટ મેળવવાની લાલચમાં ૫૭ લાખ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.ભેજાબાજોએ જીએસટી, એનઓસી, રજિસ્ટ્રેશન સહિતના ચાર્જ પેટે અલગ-અલગ ૨૦ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવી લેતા મામલો સાઇબર સેલમાં પહોંચ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે અમરોલીમાં ન્યૂ કોસાડ રોડ ખાતે આવેલી સોસાયટીમાં રહેતા ૭૧ વર્ષીય નિવૃત્ત મહિલા જીવન ગુજારે છે. મહિલા ગવર્નમેન્ટ જોબ કરતા હતા. ગત તા. ૬-૯-૨૨ના રોજ અજાણ્યા મોબાઇલ નંબર પરથી તેમના મોબાઇલ પર કોલ આવ્યો હતો. કોલરે પોતાની ઓળખ દીપિકા શર્મા તરીકે અને પોતે દિલ્હીમાં ઇન્ડિયન ગવર્નમેન્ટ મની સ્કીમમાં સિનિયર ઈન્કમટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી હતી. તેમણે નિવૃત મહિલાને જણાવ્યું કે ” તમે જે ઈન્કમટેક્સ ભરપાઈ કરો છો, તે ઇન્કમટેક્સ પેટે રિબેટ મળવાપાત્ર છે, તમે રૂ. ૩૦,૨૫૪ NEFT મારફતે ભરપાઈ કરશો તો ૧૨ લાખ રિબેટ મળવાપાત્ર છે” એવી લાલચ આપી હતી. રિટાયર્ડ ગવર્નમેન્ટ સર્વન્ટ હોવાની ઓળખ આપી આરબીઆઈ માંથી ૧ કરોડ મળવાપાત્ર રહેશે, જેથી ટેક્સ પેટે ૭ લાખ આપવા પડશે એમ કહેતા ટુકડે-ટુકડે ૭ લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ૧૮ ટકા જીએસટી પ્રમાણે ૨૬ લાખ ભરવાની વાત કરી હતી. જેથી એકાઉન્ટમાં ૨૬ લાખ ટ્રાન્સફર કર્યા હતા. એનઓસી પેટે વધુ ૧૫ લાખ અને રજિસ્ટ્રેશન ફી પેટે ૧.૫૦ લાખ પડાવી લીધા હતા. આ રીતે ૨૦ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ. ૫૭.૭૧ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા છતાં વધુ રૂપિયાની માંગણી કરાતી હતી. આખરે છેતરપિંડીનો અહેસાસ થતા સાઇબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી. સમગ્ર મામલે સાઇબર સેલે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ આદરી છે.